letest

Tuesday, October 21, 2014

પૂરા વેતનની માગણી સાથે સંઘની કચેરીએ વિદ્યાસહાયકોનો હોબાળો..


--》ગાંધીનગર, સોમવાર
પ્રાથમિક શિક્ષક સંઘે અરિયર્સની માંગણી કરતા વિદ્યાસહાયકોને પૂરા વેતનનો લાભ મળતો નહી હોવાના આક્ષેપ સાથે રાજ્યભરના અંદાજે ૫૦૦ જેટલા વિદ્યાસહાયકોએ આજરોજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. વિદ્યાસહાયકોને એરિયર્સ નથી જોયતું પણ પૂરો પગાર આપવાની માંગ સાથે મુખ્યમંત્રી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ રાજ્ય કર્મચારી સંઘને લેખિત રજુઆત કરી છે. ઉપરાંત પૂરા વેતનનો ઉકેલ નહી આવે તો આગામી સમયમાં વિરોધ કાર્યક્રમો યોજવાની ચિમકી ઉચ્ચારી છે.
ફિક્સ પગારની રીતિ-નિતિ ગેરબંધારણીય હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક દાયકાથી અનેક વિભાગોમાં ફિક્સ પગારી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. ફિક્સ પગારને હાઇકોર્ટે ગેર બંધારણીય ગણાવ્યું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારી કર્મચારીઓને પૂરા વેતનનો લાભ આપવામાં આવ્યો નથી. પૂરા વેતનના મામલે વિદ્યાસહાયકના ગૃપે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને માંગણી કરી હતી. જેમાં રાજ્ય સરકાર પૂરો પગાર આપવા તૈયાર છે પરંતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ કર્મચારી સંઘ દ્વારા એરિયર્સની માંગણી કરવામાં આવી રહી છે.
સંઘની એરીયર્સની માંગણીને લીધે હજારો ફિક્સ પગારી કર્મચારીઓ પૂરા વેતનથી વંચિત રહ્યા હોવાનું રાજય સરકારે વિદ્યાસહાયકના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું. જેને પરિણામે આજરોજ રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૫૦૦ જેટલા વિદ્યાસહાયકો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સે-૧૩ ખાતેની કચેરીએ ઉમટી પડયા હતા. કારમી મોંઘવારીને પગેલે ફિક્સ વેતનમાં ઘર ચલાવવું કપરૂ બની રહ્યું છે. આથી અમારે એરીયર્સ નહી પરંતુ પૂરો પગાર જોઇએ છે તેવી માંગ સાથે વિદ્યાસહાયકોએ શિક્ષક સંઘની કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા વિદ્યાસહાયકોને પગેલે શિક્ષક સંઘે પોલીસ બોલાવી હતી. અલબત્ત પોલીસની દરમિયાનગીરીને પગલે વિદ્યાસહાયકોએ શિક્ષક સંઘના પ્રમુખની સાથે-સાથે કર્મચારી સંઘના પ્રમુખ ઉપરાંત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને પૂરા પગારના તાકિદે નિર્ણય લેવામાં નહી આવે તો ઉગ્રલડત ચલાવવાની ચિમકી
ઉચ્ચારી છે.

No comments:

Post a Comment